“પ્રચાર સમિતિનો હવાલો મોઢવાડીયાને; ચૂંટણી ઢંઢેરા કમીટી દિપક બાબરીયા, સ્ટ્રેટેજી કમીટી ભરતસિંહ સોલંકી હસ્તક: સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી તથા કાદિર પીરઝાદા પણ એક-એક કમીટીના ચેરમેન: સંકલન સમિતિમાં સૌરાષ્ટ્રમાંથી પરેશ ધાનાણી, પુંજા વંશ, વિક્રમ માડમ, ચંદ્રીકા ચુડાસમા, વિરજી ઠુમ્મર વગેરેને સ્થાન” રાજકોટ :કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણીઓ આવતા બે મહિનામાં યોજવાના પડધમ વચ્ચે કોંગ્રેસે પણ અનેકવિધ તૈયારી શરૂ કરી દીધી છે. પ્રચાર સહિતની અનેકવિધ સમીતીઓની રચના કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતા બદલાવવાની હિલચાલ પર પાછો પાડી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા વિધિસર રીતે આ જાહેરાત કરી દેવામાં આવ્યાના નિર્દેશ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અર્ધો ડજન કમીટી ઉપરાંત 29 સભ્યોની સંકલન સમીતીનું એલાન કર્યુ હતું. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી વિવિધ સમિતિઓમાં પ્રચાર કમીટીની જવાબદારી પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાને આપવામાં આવી છે. જયારે ચૂંટણી ઢંઢેરા કમીટીના ચેરમેનપદે દિપક બાબરીયાની નિયુક્તિ કરવામાં આવી છે. ચૂંટણી સ્ટ્રેટેજી કમીટીના પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીને મુકવામાં આવ્યા છે. ચૂંટણી સંચાલન સમીતીનો હવાલો સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવ્યો છે. મીડીયા અને પબ્લીસીટી કમીટીની જવાબદારી ડો. તુષાર ચૌધરી તથા કાર્યક્રમ અમલીકરણ સમિતિની જવાબદારી કાદીર પીરઝાદાને સોંપવામાં આવી છે. આ સિવાય 25 સભ્યોની સંકલન સમિતિ ઘડવામાં આવી છે તેમાં ચેરમેન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ રહેશે. સમિતિમાં પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, મોહનસિંહ રાઠવા, જગદીશ ઠાકોર, પુંજાભાઈ વંશ, શૈલેષ પરમાર, વિક્રમ માડમ, ચંદ્રીકાબેન ચુડાસમા, કરશનદાસ સોનેરી, રાજુભાઈ પરમાર, ગૌરવ પંડયા, મહેશ રાવળ, સાગર રાયકા, વિરજી ઠુમ્મર, હિમતસિંહ પટેલ, સી.જે.ચાવડા, લાખાભાઈ ભરવાડ, મૌલીન વૈષ્ણવ, ગ્યાસુદીન શેખ, ડો. જીતુ પટેલ, બાલુભાઈ પયેલ તથા ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો સમાવેશ કરાયો છે. છ સમિતિના ચેરમેનો ઉપરાંત ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી રાજયસભાના સભ્યો તથા વિવિધ મોરચાના અધ્યક્ષો પણ સંકલન સમીતીમાં રહેશે. બીજી તરફ વિધાનસભા પેટાચૂંટણીમાં કારમી હારની જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. પરંતુ રાષ્ટ્રીય નેતાગીરીએ તેનો સ્વીકાર કર્યો નથી. ચૂંટણી પુર્વે પ્રદેશ નેતાગીરીમાં બદલાવ થવાની અટકળો પર પડદો પાડી દેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ તથા વિપક્ષી નેતાના રાજીનામા વિશે આખરી નિર્ણય હાઈકમાન્ડ કરશે તેવા પ્રભારી રાજીવ સાતવના વિધાન બાદ નવા સંભવિત હોદેદારોના નામો પણ ચર્ચાવા લાગ્યા હતા. કેટલાંક નેતાઓએ લોબીંગ પણ શરૂ કરી દીધુ હતું. પરંતુ હાઈકમાંડે ઠંડુ પાણી રેડી દીધુ છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ