ગુજરાતમાં ભ્રષ્ટાચારને જડમૂળથી ડામી દેવાની મોટી મોટી ગુલબાંગો ફેંકતી સરકારને હચમચાવી નાખતો કિસ્સો આજે બહાર આવ્યો છે. અમદાવાદ આર આર સેલમાં નોકરી કરતો કોન્સ્ટેબલ અધધ 50 લાખની લાંચ લેતાં પકડાતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કોન્સ્ટેબલે ખાતર કૌભાંડમાં નામ નહીં ખોલવા બદલ આરોપી પાસેથી રૂા.60 લાખની લાંચ માગી હતી પરંતુ રકઝકના અંતે 50 લાખમાં સોદો થયો હતો. બીજી બાજુ અમદાવાદ પોલીસ બેડામાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે લાંચકાંડમાં કોન્સ્ટેબલ તો એક નાની માછલી છે, તેની પાછળ મગરમચ્છ કોઈ બીજું હોઈ શકે છે. દરમિયાન આટલું જંગી લાંચકાંડ પકડાયું હોય તેવો ગુજરાતમાં પ્રથમ કિસ્સો બનવા પામ્યો છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ આર આર સેલમાં નોકરી કરતો પ્રકાશસિંહ રાઓલ નામના કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ સકંજામાં લઈ લીધો છે. પ્રકાશસિંહે ખાતર કૌભાંડમાં ફરિયાદીના પિતાને આરોપી તરીકે નહીં બતાવવા બદલ રૂા.60 લાખની લાંચ માંગી હતી. આ પછી ફરિયાદી અને કોન્સ્ટેબલ વચ્ચે રકઝક થયા બાદ 50 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું. કોન્સ્ટેબલ પ્રકાશસિંહે ફરિયાદીને આણંદના આઈસ્ક્રીમ પાર્લર પર રૂપિયા લઈને આવવા કહ્યું હતું. જો કે તેણે આ લાંચ ચૂકવવી ન હોય તેણે એસીબીનો સંપર્ક સાધતાં એસીબીએ પહેલાંથી જ ટ્રેપ ગોઠવી રાખી હતી. આ પછી જેવો પ્રકાશસિંહે આઈસ્ક્રીમ પાર્લર પર ફરિયાદી પાસેથી નાણાં સ્વીકાર્યા કે એસીબીએ તેને દબોચી લીધો હતો. આ લાંચકાંડના અહેવાલ વાયુવેગે પ્રસરી જતાં રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કાંડને પકડવા માટે ત્રણ જિલ્લાની એસીબી કચેરી કામે લાગી હતી. બીજી બાજુ એવી અટકળો પણ વહેતી થઈ હતી કે 50 લાખ જેવી માતબર રકમની લાંચ લેવાની હિંમત એકલો કોન્સ્ટેબલ ન કરી શકે અને આ પાછળ કોઈ ઉચ્ચ અધિકારીની પણ સંડોવણી હોઈ શકે છે ત્યારે શું તે દિશામાં તપાસ થશે ? આ કોન્સ્ટેબલે પહેલાં પણ આ પ્રકારે લાંચ કટકટાવી લીધી છે કે કેમ ? તે સહિતના મુદ્દે અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ