Nari Aawaj

News Website

*કચ્છ મુન્દ્રા માં લોક દરબાર યોજાયો ટ્રાફિક પ્રશ્ને રજૂઆત*

Views: 130
0 0
Spread the love

Read Time:4 Minute, 32 Second

“પોલીસ વડા સૌરભસિંઘની હાજરીમાં યોજાયેલા લોક દરબારમાં સ્થાનિકોએ વિવિધ મુદ્દાઓ કર્યા રજૂ : પોલીસ વડાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો” મુન્દ્રા : મુન્દ્રા અને બારોઈ નગરપાલિકા વિસ્તાર જાહેર થયા બાદ પ્રથમ વખત પોલીસ વડા સૌરભસિંઘની હાજરીમાં આજે સવારે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત લોક દરબારમાં શહેરની ટ્રાફિક સમસ્યા તેમજ વિવિધ મુદ્દાઓ સ્થાનિકોએ રજૂ કર્યા હતા. પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા તમામ મુદ્દાઓના નિરાકરણની ખાતરી અપાઈ હતી. આ અંગેની વિગતો મુજબ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની હાજરીમાં લોક દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રારંભમાં પોલીસ વડા તેમજ ઉપસ્થિત પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં શહેરના વિવિધ આગેવાનો તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા. તેઓ દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને મુન્દ્રા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં તેમજ મુન્દ્રા અને બારોઈ નગરપાલિકા જાહેર થઈ જતા શહેરમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે, બારોઈ ગામમાં ઓપી પોલીસ સ્ટેશન બનાવાય, મુન્દ્રામા ડીવાયએસપીની કચેરી બનાવામાં આવે, હાલમાં પ્રાગપરમાં ઓપી બનાવવામાં આવી રહી છે જેના બદલે ગુંદાલામાં ઓપી સ્થળાંતરીત કરવામાં આવે, ઔદ્યોગિક એકમો પર પોલીસ ટીમો દ્વારા નજર રાખવામાં આવે તેમજ કાંડાગરા અને સિરાચા જેવા ગામોમાં ઓપી બનાવી ચાંપતી નજર પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવે તો ક્રાઈમ રેશિયો ઘટવા સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહેશે તેવો સૂર લોકો દ્વારા રજૂ કરાયો હતો. પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા સ્થાનિકોની રજૂઆતો સાંભળી તેના ઉકેલ માટે તત્પરતા દર્શાવી હતી. તેમજ સ્થાનિક પોલીસને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ વડા સૌરભસિંઘે માહિતી આપતા જણાવ્યું કે, આજના લોક દરબારમાં લોકો તરફથી ટ્રાફિક સમસ્યાના હલ માટે રજૂઆતો આવી છે. જેના નિરાકરણ માટે ચર્ચાઓ કરાઈ છે. ટુંક સમયમાં આ સમસ્યા હલ કરવામાં આવશે તેમજ ભુજમાં સરકારના નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવાયા છે. તેવી જ રીતે મુન્દ્રા શહેરના ટ્રાફિક પોઈન્ટ તેમજ મહત્ત્વના સ્થળોએ સીસીટીવી કેમરા લગાવવામાં આવશે. આ માટે સરકારમાં રજૂઆત પણ થઈ ચૂકી છે. સ્થાનિકો દ્વારા અકસ્માતોના વધતા પ્રમાણ તેમજ એકમોમાં સેફટી અંગેની રજૂઆત આવી છે જે મુદ્દે પણ તપાસ કરી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. મુન્દ્રાના પીઆઈ પઢીયારે જણાવ્યું કે, પોલીસ અને પ્રજા વચ્ચે સંબંધરૂપ સેતુ જળવાઈ રહે એ માટે અમે તત્પર છીએ, મુન્દ્રા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે આયોજન કરાયું છે. લોકો તરફથી સહકાર મળતો રહેશે તો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી જશે. લોકો સાથે કનેકટિવીટી વધે અને પ્રજાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ સંપાદિત થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે.આ તકે ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલ, મુન્દ્રાના પીએસઆઈ શ્રી પટેલ, શ્રી ભટ્ટ, મુન્દ્રા મરીનના પીએસઆઈ શ્રી વાણિયા તેમજ પોલીસ સ્ટાફના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love